રન તો ચેઝ કર્યા બૅટ તાણી તાણી
16મી ઑક્ટૉબરે જયપુર ખાતે અને 30મી ઑક્ટોબરે નાગપુર ખાતે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં અનુક્રમે 359 અને 350 રનનું લક્ષ્ય આંબીને ભારતે વન-ડે ઈતિહાસના બીજા અને ત્રીજી હાઈએસ્ટ રન ચેઝમાં પોતાનું નામ નોંધાવ્યું. કહો કે જયપુર અને નાગપુરમાં રનનું રીતસર ઘોડાપૂર આવ્યું. મોંઘવારી વધવાની સાથે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધે એમ છાશવારે બૉલિંગના લીરેલીરા ઉડાડતી અને સેંકડો બાળકોની જન્મદાતા હોય એવી અતિફળદ્રુપ સ્ત્રી જેવી પ્રોડક્ટિવ બૅટિંગ વિકેટ્સની સંખ્યા વધવાની સાથે હવે રનોના ઢગલાં, જંગી જુલ્મી જુમલાના ખડકલાં અને બૅટ્સમેનોના હાકલાં-પડકારાંના દ્રશ્યો સામાન્ય થતાં જાય છે. આપણાં એક કટાર લેખકને ઉત્તેજીત થઈને લાંબો લેખ લખવા માટે મજબૂર કરનાર માર્ચ 2006ની એક વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયા સામે એક દડો બાકી હતો ત્યારે 434 રનનું જે ગોડઝિલાકાય (હાથીકાય શબ્દ નાનો પડે!) લક્ષ્યાંક સર કર્યું હતું એ વન-ડે ક્રિકેટમાં ચેઝિંગની ચરમસીમા હતી. ક્લાઈમૅક્સ પછી આમ પણ કેટલું મૅક્સિમમ આપી શકો? ;) ક્રિકેટનો સિનારિયો બદલાઈ ગયો છે. બૅટ્સમેન હવે રનોનાં ઢગલા ખડકીને જલસા કરે છે અને બિચારા બૉલરો નિર્દયતાથી ફર...