...ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે...
જ્યારે કૌમાર્યભંગ કરતાં આચારસંહિતા ભંગના કિસ્સાઓ વધી પડે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે ગુપ્તરોગોનું નિદાન અને સારવાર કરતાં સેક્સોલજિસ્ટો કરતાં ચૂંટણી અને મતદાનના વલણોની મિમાંસા કરતાં સેફૉલજિસ્ટો વધારે ચર્ચામાં હોય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે ઈન્ટરપોલ કરતાં ઍક્ઝિટ પોલનું મહત્ત્વ વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે સભાઓ ગજવીને બધાં નેતાઓના અવાજો ઘોઘરાં થઈ જાય અને હરીફ પક્ષ સાથે ઝપાઝપીમાં કાર્યકર્તાઓના હાડકાં ખોખરાં થઈ જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે હૃદયપલટા કરતાં પક્ષપલટાની ઘટનાઓ વધે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે સંનિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને બલિના બકરા બનાવવામાં આવે અને બાહુબલિઓને ટિકિટમાં પ્રાથમિકતા આપવામાં આવે ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે અદાલતોમાં દાખલ થતી ફરિયાદીઓની અરજીઓને બદલે ચૂંટણીપંચ સમક્ષ આચારસંહિતા ભંગની અરજીઓનો જથ્થો વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... જ્યારે પોલીસ સ્ટેશનની બદલે પોલિંગ સ્ટેશનની સંખ્યા વધી જાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી રહી છે... ...