ચર્ચાસ્પદ ચૂંટણી વિશે ચિંતન
ચારે બાજુ એક જ વાત થઈ રહી છે: ચૂંટણી, ચૂંટણી અને ચૂંટણી! 30મી મેનાં રોજ મારા 34માં જન્મદિનની જેટલી આતુરતા નથી એથી પણ વધુ આતુરતા 16મી મેનાં રોજ આવનારા પરિણામોની છે. નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરવા અને અરવિંદ-રાહુલને રિજેક્ટ કરવા માટે કોઈ કચાશ છોડવામાં આવી રહી નથી એવી ભડાસ અમુક લોકો ઠાલવી રહ્યા છે. મોદીનો વેવ નથી, વેવ નથી, વેવ નથી એવું કહેનારાઓને 'વેવ'લા તરીકે ખપાવવામાં આવી રહ્યા છે. જેઓ મોદીનો વેવ છે, વેવ છે, વેવ છે એવું સ્વીકારે છે એમને એનડીએમાં 'વેવા'ઈ બનાવવામાં આવી રહ્યા છે. પેઈડ ન્યુઝ, પેઈડ વ્યૂઝ અને પેઈડ ઈન્ટરવ્યૂઝનો રાફડો ફાટ્યો છે. કલંકિત છબીને સરળ પ્રશ્નો પૂછીને માંજી આપતાં અને લોકોની આંખોમાં આંજી આપતાં અને પ્રામાણિક નેતાને આકરાં સવાલો પૂછીને છબી બગાડી આપતાં રજત શર્માને એમના આ કામ માટે રજત તો શું કાંસ્ય ચંદ્રક પણ ન મળે! મુરતિયો કે કન્યા પસંદ કરવા માટે આધુનિક ટૅકનોલોજીના સાથથી મેટ્રિમોનિઅલ વેબસાઈટ્સ અસ્તિત્વમાં આવી, પરંતુ મુરતિયો કે કન્યા પસંદ કરવાના માપદંડ એવા જ જૂનવાણી રહ્યાં. એ જ રીતે ચૂંટણીમાં મત આપવા માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન આપણે બનાવ્યાં, પણ મત મેળવ...