Dawn of the Planet of the Apes: 21st Century Foxy Review
ફેસબુક પર ફિલ્મ રિવ્યૂખોરોનો રાફડો ફાટ્યો છે અને એમાં ઘણી વખત ફિલ્મના સારા-નરસાં પાસાં વિશે સમાલોચના કરવાના બદલે એકબીજાથી જલતાં રિવ્યૂખોરો "હું કહું એ સાચું" એવી હુંસાતુંસી પર ઉતરી પડે છે. ફિલ્મ સર્જકો વચ્ચે સારી ફિલ્મ બનાવવા માટે તંદુરસ્ત સ્પર્ધા ચાલતી હોય છે, ફેસબુક પર રિવ્યૂખોરોની વચ્ચે કોનો રિવ્યૂ વધારે સારો એ માટેની રોગિષ્ઠ સ્પર્ધા ચાલે છે. હમણાં ફેસબુક પર એકબીજાના કટ્ટર વિરોધી અને અવારનવાર એકબીજા સાથે ટક્કર લેતાં અને કોઈપણ ફિલ્મ બાબતે હંમેશા ઉત્તર-દક્ષિણની જેમ ક્યારેય મતૈક્ય ન ધરાવતા બે રિવ્યૂખોરોનો એક ફિલ્મ વિશેનો રિવ્યૂ મળતો આવ્યો ત્યારે કોઈ દુર્લભ ખગોળીય ઘટના આકાર લે એવી લાગણી થઈ. આ ફિલ્મ હતી: તાજેતરમાં રિલીઝ થયેલી પ્લેનેટ ઑફ ધ ઍપ્સ શ્રેણીની નવી ફિલ્મ: Dawn of the Planet of the Apes. આપણાં ભાઈ-બહેનો, સગા-સંબંધીઓ કે મિત્રો જીવનમાં પહેલીવાર કોઈ જાહેર પર્ફોર્મન્સ આપતા હોય ત્યારે એમની હોંસલા-અફઝાઈ કરવા માટે આપણે હોંશે-હોંશે જતાં હોઈએ છીએ તો જેની સાથે આપણા 98.4% જીન્સ (જીન્સ એટલે પેન્ટાલૂન અને વેસ્ટસાઈડમાં મળે છે એ ડૅનિમ નહીં, પણ 12 સાયન્સની બાયોલૉજીવાળા જનીન!) મૅચ થ...