દસ કા દમ: રૅન્ડમ વિચારો, વન-લાઈનર્સ ને એવું બધું....
મગજની રીડ-ઑન્લી મેમરીમાંથી આવેલા થોડાં રૅન્ડમ વિચારોનો એક્સેસ 1. રસોઈ કરતી વખતે રસોડામાં ભેગી થયેલી અને ગૃહિણીને અકળાવતી વરાળને બહાર કાઢવા માટે ઍક્ઝોસ્ટ ફૅનની વ્યવસ્થા હોય છે. એ જ રીતે મનને સંતાપ આપતી હૈયામાં ભેગી થયેલી વરાળને બહાર કાઢવા માટે રુદન અને આંસું મને ઍક્ઝોસ્ટ જેવી રચના લાગે છે. 2. અમુક લોકો આજીવન પોતાની લીટી દોરવાનું શીખી શકતા જ નથી. બીજાની લીટીને નાની કરીને પોતાની લીટીને મોટી કરવાની વાત તો પછી આવે. 3. પ્રયત્ન કર્યા વગર અળખામણાં થતાં તરત આવડે છે, પણ પ્રયત્ન કરીને કોઈને પ્રિય થતાં આવડતું નથી. 4. કવિહૃદય અને સાહિત્યિક જીવ ધરાવતી વ્યક્તિને કોઈપણ વેદના થાય તો એ હોય એના કરતાં વધારે મોટા સ્કેલની લાગે છે. "વાઘ આવ્યો રે વાઘ"ની જેમ "વેદના આવી રે વેદના" જેવી આ સ્થિતિમાં વ્યક્તિ જ્યાં સુધી પોતાની વેદનાને કાગળ પર ઠાલવીને સેમી-સાહિત્યિક કે ફુલ્લી સાહિત્યિક સ્વરૂપ ન આપે ત્યાં સુધી એના અંતરનો વલવલાટ શમતો નથી. 5. શાળા અને કોલેજ દરમિયાન વિદ્યાર્થીકાળના મારા મરોડદાર સુવાચ્ય અક્ષરો હવે લાંબા સમયથી કી-બૉર્ડને કારણે પેનનો સથવારો છૂટી ગયા બાદ નીકળતાં ગરબડ...