Posts

Showing posts from June, 2013

જાત સાથેના સંવાદ અને જગતના અવલોકનમાંથી સ્ફુરેલી કવિતા

ન બોલે તો કહે મૂંગો છે બોલે તો કહે કેમ બોલે છે  કાં અમે છીએ ઊંઘમાં કાં તું ચડ્યો કોઈ ઝોલે છે વ્યર્થ વાતોમાં વખત ન આપું, સદા રહું નિજ મસ્તીમાં  ખણખોદ મારી કરવા મારા નિંદકો વળ્યા ટોળે છે  કીર્તિ મારી આંબી ગઈ અલકમલકનાં સીમાડાં અલેલટપ્પુ જો એ ઊભા પંચાત કરતાં પોળે છે  દાઝેલાંને મૂકું પડતાં, દૂઝે એને દુ:ખવું નહીં અલગારી છે જાત મારી, ક્યાં લીધા કોઈને ખોળે છે વાંચી કોઈ ઝૂમે ખરું તો કોઈ અચાનક ઝૂરે પણ સંવેદનાની શાહીમાં કોઈ કલમ મારી ઝબોળે છે અનુભવોનું ફલક વિશાળ અંદાજ એવો બેમિસાલ  ઓથમીર એ અક્કલના જે મુજ સર્જન સ્રોત ખોળે છે

મંગળ-અમંગળ : જ્યોતિષ વિષે શ્રી વિનોદ ભટ્ટનાં હાસ્યલેખો

Image
બે અઠવાડિયા પહેલાં આણંદના સાર્વજનિક પુસ્તકાલયમાંથી જ્યોતિષ વિશેના વિનોદ ભટ્ટનાં હાસ્યલેખોનું પુસ્તક "મંગળ-અમંગળ" લાવ્યો અને સ-રસ (રસપૂર્વક) વાંચી ગયો. હકીકતોની સાથે પોતાના આગવાં હ્યુમરનો ઍન્ગલ ઉમેરીને લખવાની વિનોદ ભટ્ટની શૈલી જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રસ્તાવનાથી લઈને છેલ્લાં લેખ સુધી મને જે કંઈપણ સ્પર્શી ગયું તેના અંશો ટાઈપ કરવાની જહેમત ઉઠાવીને અહીં રજૂ કરું છું. ઓવર ટુ મંગળ-અમંગળ ! (1) પ્રસ્તાવના : આથી, હું વિનોદ ભટ્ટ, આજરોજ સત્ય, સંપૂર્ણ સત્ય તેમ જ ભેળસેળ વગરના આઈ.એસ.આઈ. માર્કાના શુદ્ધ સત્યના સોગંદ ખાઈને જાહેર કરું છું કે 'મંગળ-અમંગળ' હાસ્યલેખોનું પુસ્તક છે અને અંગત રીતે આ પુસ્તક લખવા પાછળ વાચકને હસાવવા સિવાય વધારે કશું જ મને અભિપ્રેત નથી. 'ચિત્રલેખા' જેવાં સામયિકોમાં અમુક લખાણના મથાળા પર ખૂણામાં નાના અક્ષરે એવું લખવામાં આવે છે કે 'આ જાહેરખબર છે.' એ પ્રમાણે આ પુસ્તકના નામને કારણે કોઈના મનમાં થતી ગેરસમજ ટાળવા જણાવું છું કે આ હાસ્યરસનું પુસ્તક છે, જ્યોતિષવિજ્ઞાનનું નથી. અલબત્ત, આ પુસ્તક વાંચતી વેળાએ હસવાની જવાબદારી વાચકોના શિરે છે એ...

મૃત્યુનું ઍલાર્મ વાગે ત્યારે Snoozeનું ઑપ્શન હોતું નથી

Image
હમણાં 4થી જૂને એક સ્વજનનાં લગ્નના સત્કાર સમારંભ યાને રિસેપ્શનમાં જવાનું થયું અને બીજે દિવસે 5મી જૂને બપોરે અન્ય એક સ્વજનનું મૃત્યુ થતાં અંતિમક્રિયામાં જવાનું બન્યું. ઉત્સવથી ઉદાસી સુધીની સામસામા છેડાની લાગણીઓ વચ્ચે ઝોલાં ખવડાવતાં પ્રસંગોમાં હાજરી પૂરાવવા દરમિયાન હમણાં યોગાનુયોગે સુરેશ દલાલનું એક વાક્ય વાંચ્યું હતું તે યાદ આવ્યું: "હું એક બેસણામાંથી લગ્નના સત્કાર સમારંભમાં એવી રીતે જઉં છું જેમ મારા ડ્રૉઈંગ-રૂમમાંથી બેડરૂમમાં જઉં છું." રિસેપ્શન માટે વહેલી સવારે નીકળતાં પહેલાં ટીવી ઑન કર્યું અને અભિનેત્રી જિયાહ ખાનનાં આપઘાતનાં સમાચાર જાણ્યાં અને ફેસબુકનાં સ્ટેટસ અપડેટ્સમાં શ્રદ્ધાંજલિનો સફેદ રંગ છવાયેલો રહ્યો. મૃત્યુની ગરિમાને છાજે એવી રીતે શાલીનતા અને સ્વસ્થતાથી બધાં પાસાંઓને મૂલવીને જિયાહને શ્રદ્ધાંજલિ આપનારાં પણ જોયાં તો બીજી તરફ જિયાહના છેલ્લાં પત્ર અને અડવાણીનાં છેવટનાં પત્રમાંની ભારોભાર વેદનાની મૂર્ખતાભરી સરખામણી કરીને ટ્રેજીકૉમેડી સર્જનારા કટારલેખક પણ ભટકાયાં. એના છ દિવસ અગાઉ બંગાળી ફિલ્મ સર્જક ઋતુપર્ણો ઘોષનું અવસાન થયું હતું. બહુ જ ઓછા સમયમાં ફિલ્મ ઉદ્યોગની બે હસ્તી...

બાંયો ચડાવીને લખેલી કૃતિ : બાયોગ્રાફી

બાયોગ્રાફી : બાંયો ચડાવીને લખેલી કૃતિને બાયોગ્રાફી કહે છે.  ઑટોબાયોગ્રાફી : ઑટોમાં બેસીને બાંયો ચડાવીને લખેલી કૃતિને ઑટૉબાયોગ્રાફી કહે છે. કરકસર : જેના કારણે રસ માણવામાં કસર રહી જાય છે તેને કરકસર કહે છે. છાંટોપાણી : વરસાદના પાણી ભરાયા હોય એવા રસ્તાઓ પર ચાલતાં કે વાહન હંકારીને જતી વખતે આપણાં પર જે છાંટા ઊડે છે એને છાંટોપાણી કહે છે. ખેલદિલી : કોઈના દિલ સાથે ખેલી લીધા પછી પશ્ચાતાપની લાગણી સાથે જે આત્મબોધ થાય છે તેને ખેલદિલી કહે છે. ફુગાવો : ફુગને "આવો, આવો" કહીને આમંત્રણ આપતાં જે સ્થિતિ સર્જાય તેને ફુગાવો કહે છે. નોળવેલ : બેહોશ થઈ જવાય એવી નૉવેલ વાંચ્યા બાદ હોશમાં આવવા માટે સૂંઘવી પડતી એક વનસ્પતિ. તત્કાલ ટિકિટ : રેલ્વેમાં જે ટિકિટ ખરીદવા માટે અનંત કાલ સુધી રાહ જોવી પડે એને તત્કાલ ટિકિટ કહે છે. 2જી-3જી-4જી ડેટા કનેક્શન : ભારતમાં વેબ બ્રાઉઝિંગ કરતી વખતે વેબ સાઈટ ઓપન થવામાં અનુક્રમે બે, ત્રણ અને ચાર જનરેશન જેટલો સમય લાગે છે એ કનેક્શનને 2જી-3જી-4જી ડેટા કનેક્શન કહે છે. વેબપેજ : ઈન્ટરનેટમાં વેબ સાથે સંકળાયેલા બધાં શબ્દો કરોળિયાનાં જાળા એ...

વાળ કપાવતાં આવેલા વિચારોનો જુવાળ

દર એકાદ-બે મહિને લાઈટ બિલ કે ફોન બિલ નિયમિત ભરતાં રહેવાનું હોય છે, એમ લઘરવઘર દેખાવમાં લાલિત્ય લાવવા માટે સમયે સમયે વાળ કપાવતા રહેવું પડે છે. ભીખ માંગીને જીવવાનો વ્યવસાય હોય એણે દેખાવમાં કરુણતા લાવવા માટે વાળ શક્ય તેટલા અસ્તવ્યસ્ત હોય એનું ધ્યાન રાખવાનું હોય છે, પણ એ સિવાયના સામાન્ય સંસારીઓને આવો પ્રમાદ પોસાતો નથી.  માનવશરીર બનાવનાર ભગવાન બહુ સમજદાર છે એટલે જ ચામડીનું રક્ષણ કરતાં વાળને કાતરથી કાપીએ ત્યારે કોઈ વેદના થતી નથી, કારણ કે મગજને વેદના-સંવેદનાનાં સિગ્નલ્સ મોકલતાં નર્વ એન્ડિંગ્ઝ (Nerve Endings) વાળમાં હોતા નથી. વિચારો કે શરીરના અન્ય અંગોની વાઢકાપ કરવામાં આવે ત્યારે જે દુ:ખાવો થાય છે એવો જ દુ:ખાવો વાળ કાપતી વખતે થતો હોત તો? હેરકટિંગ સલૂનમાં વાળંદે એનેસ્થેશિયા આપવા માટે એનેસ્થેસિસ્ટને પોતાના હૅલ્પર તરીકે રાખવા પડતા હોત ! જેમ મેડિકલ સ્ટોર - ફાર્માસ્યુટિકલ કંપની અને ડૉક્ટર વચ્ચે સાંઠગાંઠ હોય એમ ડૉક્ટર-વાળંદ-એનેસ્થેસિસ્ટનું વ્યાવસાયિક ગઠબંધન જોવા મળતું હોત ! પણ અગાઉ કહ્યું એમ ભગવાને સમજી વિચારીને શરીર રચના આપી છે એટલે વાળ કપાવતી વખતે વાળ પણ વાંકો થતો નથી. માત્ર, હેર-વીવિંગ, હ...

અત શ્રી ફેસબુક આખ્યાનમ

પારસમણિનાં સ્પર્શથી કથીર જેમ કંચન થઈ જાય એમ મારા એક મિત્ર પારસ શાહ ફોટોગ્રાફી કરે એટલે કેમેરાના મેમરી કાર્ડમાં ઝીલાઈ ગયેલી કોઈપણ છબી મનની મેમરીમાંથી જલ્દી દૂર ન થાય એવી ચિરંજીવી બને છે. એમની તસવીરકળામાં તદબીર સાફ સાફ દેખાય છે અને જેનો ફોટો લે એનું તકદીર ખૂલી જાય છે. (મેટ્રિમોનિઅલ હેતુ માટે છોકરાનો ફોટો પાડે તો છોકરીઓની લાઈન લાગી જાય !). જેને ફોટાં સારા ન આવવાનો જેનેટિક પ્રોબ્લેમ હોય એ ફોટોજેનિક બની જાય ! એ કોઈ ચાંપલા, ચિબાવલા, ચીલાચાલુ ન્યુ યર રેઝોલ્યુશન લેતાં નથી પણ માત્ર તસ્વીરનાં રેઝોલ્યુશન પર જ વધારે ફોકસ કરે છે! ફોટોગ્રાફી કરવા ઉપરાંત એ લખીને પણ સારી અભિવ્યક્તિ કરી જાણે છે. પારસભાઈએ 2જી જૂનનાં રોજ બ્રહ્મ મૂહૂર્તમાં ફેસબુકને લગતી એક ક્રિએટીવ પોસ્ટ લખી :  દિન રાત ફેસબુકને ભાંડતા લોકો જોઉં ને એમને જ ફેસબુક પર આળોટતા જોઉં હવે આ પોસ્ટ વાંચીને મને કોણ જાણે શું થયું કે માત્ર બે જ પંક્તિઓના મર્યાદિત પટ પર મને કવિતાના પત્તાનો મહેલ ચણવાની એક ગૂઢ પ્રેરણા મળી. My friend's two poetic lines acted like a pillar for me to form a majestic palace of poetry. કહો કે એક ધક્કો વાગ્...