સોશિઅલ થવા માટેના ફાંફાં અને ચહેરા પર અસલામતીનું ફેશિઅલ
એકવાર એક મજાકિયું ક્વોટ લખ્યું હતું: "મેં બાળલગ્ન કરવાનો ગુનો કર્યો છે. હું બાળપણથી એકલતાને પરણ્યો છું. એક લતા મળી જાય તો એકલતા દૂર થઈ જાય!" (કોઈકે મજાકમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે કયા લતાની લતા ચાલશે?) એકલતા શું છે? બધાથી ઘેરાયેલા રહેતાં હોય અને અલ્પ સમય માટે એકલા રહેવાનું થતું હોય ત્યારે માણસ ડંફાસ મારીને કહી શકે કે મારે એકલા રહેવાનું હોય તો વાંધો ન આવે. પણ આસપાસ કોઈ ન હોય ત્યારે એકલતાનો જે ખાલીપો ઘેરી વળે છે એને દૂર કરવા માટે એકલતાને આનંદદાયક પ્રવૃત્તિઓ વડે કાંતીને એકાંતમાં તબદીલ કરવાનું બહુ ઓછા લોકોને ફાવે છે. જરાક એકલા પડે એટલે બે મિનિટ પણ જંપીને બેસી ન શકતાં અને ધડાધડ ફોન નંબરો ડાયલ કરીને મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ કરીને ખાલીપો પૂરવાના હવાતિયા મારતાં લોકો જોયા છે. દુનિયાના ધારાધોરણો સાથેની વિસંગતતાને કારણે કે પોતાના નમૂનારૂપ વ્યક્તિત્વને કારણે અથવા તો આત્મરતિના અતિરેકને લીધે બીજાને ચાહવાની ક્ષમતા ગુમાવી દેવાને કારણે મોટી ઉંમર સુધી સાથી વિના રહી ગયેલાં લોકોને પોતાનું સર્કલ સતત વિસ્તારવા માટે સંબંધોની સાઈકલને પેડલ મારી મારીને મિત્રવર્તુળમાં ગોળગોળ ફરતાં જોયા છે. પાર્ટીઓ...