જળ કર્યાં જુદાં બધાએ ને અલગ કાંઠા કર્યા (રાજેશ વ્યાસ 'મિસ્કીન')

જળ કર્યાં જુદાં બધાએ ને અલગ કાંઠા કર્યા
ધોધથી છુટ્ટા પડી ખાબોચિયાં નાનાં કર્યાં.

રાજમાર્ગે ચાલનારા છે તરત ભૂલી ગયા,
ને અહમને કારણે ફંટાઈ જઈ ફાંટા કર્યા.

એ જ સુખ ને એ જ દુ:ખ ને એ જ તડકો-છાંયડો,
આંસુઓએ આમ બાવળના સદા આંબા કર્યા.


શ્વાસ-આવરદા દિશા-મંઝિલ બધું નિશ્ચિત છતાં,
મન મુજબ રસ્તા બધા ટૂંકા કર્યા લાંબા કર્યા.

પેટ ભરવું કે સુખી થાવું હતું અઘરું જ ક્યાં,
માત્ર સ્પર્ધામાં સરળ સીધાં જીવન વાંકાં કર્યાં.

અંત ના આવ્યો કદી મિસ્કીન દુ:ખનો એટલે,
આપણે પણ, કૈં પ્રહારો, જોઈ તક સામા કર્યા.
                                              - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો